જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલી થાજો !
          મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
          મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
          મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
          મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
          મારું જીવન અંજલિ થાજો !

Published in: on March 26, 2007 at 4:54 am  Comments (1)  

બા અને આંસુ – રમેશ જોષી

જિંદગી પણ કેવી કમાલ છે !
પહેલાં –
આંસુ આવતાં ત્યારે
બા યાદ આવતી
ને આજે –
બા યાદ આવે છે
ને –
આંસુ આવી જાય છે.

Published in: on March 23, 2007 at 10:47 am  Comments (1)  

મોચીનું ન હોવું – બકુલ ત્રિપાઠી

યાદછે ? આપણે
એક દિ’સાથે
ગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા ?

ચઢતાં ચઢતાં મારગ વચ્ચે
તારી તૂટી ચંપલપટ્ટી

મેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં !’
‘ચમ્પલ ?’
‘તને !’
‘હટ ! લો ચમ્પલ ! ઊંચકો એને !
હાશ હવે બસ
અડવા પગે ઉપર જાશું’

મેંય પછી તને યાદ છે ?
મારાં ચંપલ કાઢ્યાં
પથરો લીધો
પટ્ટી તોડી !
તૂટલાં ચંપલ બેઉનાં પછી
હાથમાં લઈને
ઝૂલતા ઝૂલતાં
અડવા પગે, બળતાં પગે
થનગન થનગન
થનગન ચઢ્યાં આપણે બેઉ
ગબ્બર શિખર !
યાદ આવેછે ?

કેવાં રે બડભાગી આપણે
મારગ કોઈ મોચી ન મળ્યો !

Published in: on March 23, 2007 at 10:44 am  Leave a Comment  

એક હતો રેઈનકોટ – બકુલ ત્રિપાઠી

એકહતો રેઈનકોટ
ને આપણે બે!
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીઝીની હદ આવી ગઈ
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…
બે હતાં આપણે
ને રેઈનકોટ એક !

Published in: on March 23, 2007 at 10:43 am  Comments (1)  

નાનો-મોટો – પ્રેમશંકર ભટ્ટ

તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો –
એવો મુરખ કરતા ગોટો.

            ખારા જળનો દરિયો ભરિયો,
            મીઠા જળનો લોટો;
            તરસ્યાને તો દરિયાથીયે
            લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચાં ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

            મન નાનું તે નાનો,
            જેનું મન મોટું તે મોટો.

Published in: on March 23, 2007 at 10:28 am  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.