જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
શેર – બેફામ
ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
*
અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બેફામ
સમજો નહીં કે- બરકત વીરાણી ‘બેફામ’
બેફામસમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.
નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
- બરકત વીરાણી ‘બેફામ’