ધૂળિયે મારગ – મકરન્દ દવે

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ ! 

Published in: on March 23, 2007 at 10:27 am  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.