શેર – મરીઝ

ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.

મરીઝ

Published in: on July 24, 2007 at 3:00 pm  Leave a Comment  

તારો શું ખ્યાલ છે – ‘મરીઝ’

<Via: readgujarati.com> 

 એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.

વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.

આ આજના ભરોસે મને માન આપ ના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.

પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં,
મારીય જિંદગાની હવે આજકાલ છે.

બસ એક નજર સચેત – તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.

એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.

Published in: on March 26, 2007 at 4:52 am  Leave a Comment  

શેર – મરીઝ

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

મરીઝ

Published in: on March 21, 2007 at 4:39 am  Leave a Comment  

પ્રતીક્ષા – ‘મરીઝ’

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

- ‘મરીઝ’

Published in: on March 19, 2007 at 11:09 am  Comments (2)  

શેર – મરીઝ

ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.

મરીઝ

Published in: on March 13, 2007 at 9:55 am  Leave a Comment  
Follow

Get every new post delivered to your Inbox.